www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એશિયન ગેમ્સમાંથી બહાર કરાતા ખેલાડી દિવ્યાંશીની આત્મહત્યાની ધમકી, વીડિયો વાયરલ


સિલેક્શન બાદ નામ કાપી નાખતા ખેલાડીએ કહ્યું - 'માં - પાપા માફ કરજો, આ મારો છેલ્લો વીડિયો છે'; SAI અને ફેડરેશન સામે સવાલો ઊભા કર્યા

સાંજ સમાચાર

નવી દિલ્લી
જાપાનમાં યોજાનારી 20 મી એશિયન ગેમ્સ માટેની ભારતીય વુશુ ટીમની જાહેરાત બાદ મોટો વિવાદ સર્જાયો છે. રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સુધારેલી યાદીમાં અગાઉ પસંદ કરાયેલી ખેલાડી દિવ્યાંશી ચૌધરીનું નામ હટાવીને નાઓરેમ રોશિબિના દેવીને ટીમમાં સામેલ કરવામાં આવતા નવો વિવાદ ઊભો થયો છે. આ નિર્ણય બાદ દિવ્યાંશીએ સોશિયલ મીડિયા પર 9 મિનિટનો ભાવુક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડતાં રડતાં આત્મહત્યા કરવાની વાત કરી રહી છે.

રાજસ્થાનના કોટાની રહેવાસી અને ઈન્ટરનેશનલ વુશુ ખેલાડી દિવ્યાંશીએ વીડિયોમાં જણાવ્યું કે, તેને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જર્સી અને કિટ પણ મળી ચૂકી હતી. જાપાન જવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં છેલ્લી ઘડીએ ફેડરેશન દ્વારા તેનું નામ કાપી નાખવામાં આવ્યું છે.

દિવ્યાંશીના જણાવ્યા મુજબ શ્રીનગર કેમ્પ દરમિયાન રોશિબિના સાથેની મેચમાં તેના ખભામાં ઈજા થઈ હતી. પરંતુ બાદમાં તેણે રિકવરી મેળવી લીધી હતી અને પ્રાઇવેટ ડોક્ટર તરફથી રમવા માટે ફિટ હોવાનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું.

બીજી તરફ, વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ જીતેન્દ્ર સિંહે સ્પષ્ટતા કરી છે કે, દિવ્યાંશી જે રિપોર્ટ બતાવી રહી છે તે ખાનગી ડોક્ટરનો છે, જ્યારે સ્પોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના મેડિકલ રિપોર્ટ મુજબ તે સંપૂર્ણ ફિટ નથી. એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવો મુખ્ય લક્ષ્ય હોવાથી અનફિટ ખેલાડીને મોકલી શકાય નહીં.

દિવ્યાંશીએ દાવો કર્યો છે કે, જૂન મહિનામાં યોજાયેલી ફાઇનલ સિલેક્શન ટ્રાયલમાં તેણે 60 કિગ્રા સાન્દા કેટેગરીમાં એશિયન ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ રોશિબિના દેવીને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. છતાં તેને અન્યાય કરીને ટીમમાંથી બહાર કરવામાં આવી છે.

દિવ્યાંશીના પિતા સુનીલ કુમાર સુંડાએ આરોપ લગાવ્યો છે કે શ્રીનગર કેમ્પમાં રોશિબિનાએ જાણી જોઈને દિવ્યાંશીને ઈજા પહોંચાડી હતી. પિતાએ વધુમાં જણાવ્યું કે પસંદગી બાદ પણ દીકરી માનસિક તણાવમાં હતી અને રમત મંત્રી તથા પીટી ઉષા સમક્ષ રજૂઆત કરી રહી હતી. વીડિયો સામે આવ્યા બાદ તેઓ તરત જ પટિયાલા SAI કેમ્પ તરફ રવાના થયા હતા.

60 કિગ્રા વર્ગમાં રમતી દિવ્યાંશી ચૌધરી શાનદાર ટ્રેક રેકોર્ડ ધરાવે છે. 2024 ની જુનિયર વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં તેણે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત જૂન 2026 માં ચીન ખાતે યોજાયેલી મેમ્બર વુશુ ટુર્નામેન્ટમાં પણ તેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2017 થી ટ્રેનિંગ લઈ રહેલી દિવ્યાંશીએ સ્ટેટ લેવલે 12 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

Print