|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામનગર તા.14:
જામનગરના સુભાષબ્રિજ નજીક બજરંગ પાનની દુકાનમાં ઘૂસી યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ-પગમાં ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. યુવાન ગણેશજીના પંડાલમાં મંડપ બાંધવાનું કામ કરી રહ્યો હતોં આ દરમિયાન આરોપીઓએ ગાળાગાળી કરી હુમલો કરતા યુવાન દોડીને બાજુની દુકાનમાં પહોંચ્યો હતો. આ વેળાએ આરોપીઓએ દુકાનમાં ઘૂસી યુવક પર હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજા કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, તા.13 સપ્ટેમ્બરની રાત્રે સ્કાયલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા સાગર દિલીપભાઈ ચૌહાણ ગણેશજીના મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ સહિત પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને સાગરભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાથી બચવા સાગર બજરંગ પાનની દુકાનમાં જતા આરોપીઓએ દુકાનમાં ઘૂસી જઈ તેમના જમણા હાથ તથા પગ પર લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. હુમલામાં હાથ અને પગમાં ગંભીર ઇજા તેમજ ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી.
દરમિયાન સાગરભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્રને પણ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવતા ડાબા હાથમાં ઇજા થઈ હતી. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે સાગરભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.