www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વધુ એક નકલી ઓફિસર : કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી રૂ.10 હજાર પડાવી લીધાં


જેતપુરના કારખાનેદાર વિરુદ્ધ બાળ મજૂરી અંગે થયેલ કાર્યવાહી બાદ ગઠિયો ઝળકયો, હું ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફીસર ડી.કે.પટેલ સાહેબ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવેલ છે, કારખાનાનો ક્લોજર નોટીસનો રીપોર્ટ હળવો બનાવવા 40 હજાર માંગ્યા

સાંજ સમાચાર

◘ જેતપુર રૂબરૂ આવી 10 હજાર પડાવી ફોન સ્વીચઓફ કરી નાંખ્યો, ખંડણીનો ગુનો નોંધાયો

રાજકોટ. તા.14
રાજ્યભરમાં નકલીની ભરમાર લાગી છે. જેમાં નકલી સરકારી અધિકારીઓ તો બિલાડીના ટોપની જેમ નીકળી પડ્યા છે. પટાવાળાથી આઈએએસ સુધીના અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. ત્યારે હવે જેતપુરમાં કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી રૂ.10 હજાર પડાવી લેવાનો બનાવ સામે આવતાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. , હું ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફીસર ડી.કે.પટેલ સાહેબ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવેલ છે, કારખાનાનો ક્લોજર નોટીસનો રીપોર્ટ હળવો બનાવવા રૂપીયા પડાવી લીધા હતાં.

બનાવ અંગે જેતપુરમાં કણકીયા પ્લોટ, શારદા મંદીર સ્કુલની બાજુમાં રહેતાં મીત મનુસુખભાઈ ભુવા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગાંધીનગર સચિવાલયના શ્રમ ઓફિસર તરીકેની ઓળખ આપનાર ડી. કે.પટેલ નામના શખ્સનું નામ આપતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે આકરી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને જેતપુરમાં ભાદરના સામાકાઠે, નંદાણીયાનગરમાં શિવ ફીનીસીંગ નામનું સાડી ફીનીસીંગનું કારખાનું આવેલ છે. ગઇ તા.22/05 ના કારખાનામાં સરકારી શ્રમ અધિકારી તથા પોલીસ વિભાગના માણસોએ ચેકીંગ કરી કારખાનામાં કામ કરતા 8 બાળ મજુરો મળી આવાતા જે અંગે તેઓ ઉપર બાળકો પાસે બાળ મજુરી કરાવા અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરીયાદ થયેલ હતી. જે કેસમાં પોલીસ સ્ટેશન ખાતેથી જામીન મળેલ હતા.

જે બાદ તા 26/05 ના રોજ ફોન આવેલ કે, ગાંધીનગર સચીવાલયમાંથી શ્રમ ઓફીસર ડી.કે.પટેલ સાહેબ બોલુ છુ, તમારો રાજકોટથી રીપોર્ટ આવેલ છે, તમારા કારખાનામાંથી 8 બાળ મજુરો પકડાયેલ છે, જે અંગે તમારા કારખાનાનો ક્લોજર નોટીસનો રીપોર્ટ બનાવવાનો છે, તમો કહેતા હોય તો હળવો રીપોર્ટ બનાવી આપુ, પરંતુ તમારે વહીવટ કરીને રૂ.40 હજાર આપવા પડશે. જેથી ફરીયાદીએ કહેલ કે, એટલા બધા થોડા હોય તો તેઓએ કહેલ કે, તમારા કારખાનામાં 8 બાળ મજુરોને રાખેલ હતા, તેનો હું રીપોર્ટ કરૂ તો તમારૂ કારખાનુ 90 દિવસ માટે બંધ રહેશે.

જેથી ફરીયાદી ગભરાઇ ગયેલ અને થોડી વારમાં ફોન કરવા માટે જણાવેલ હતું. થોડીવાર બાદ વોટ્સએપ વોઇસ કોલ આવેલ અને વાત કરેલ કે,  મને રૂ.40 હજાર આપી દો, તો હું તમારો ક્લોજર રીપોર્ટ નહી બનાવુ જેથી તેને રૂપીયા આપવા માટે સંમતી આપેલ તો તેઓએ કહેલ કે, હું જેતપુર રૂબરૂ આવીને તમને મળીશ.
બે દિવસ બાદ તા.28 ના તેઓ કારખાને હાજર હતા.

ત્યારે આ ડી.કે.પટેલનો વોટ્સઅપ કોલ આવેલ કે, હુ અહી જેતપુર ભાદરના સામાકાઠે તમારા કારખાના પાસે રોડ ઉપર ઉભેલ છુ, તમે અહીં આવો જેથીતેઓ તથા મીત્ર જીતેન્દ્રભાઇ બન્ને જણા બહાર નીકળી જોયુ તો એક આશરે 55 વર્ષની ઉંમરના એક ભાઇ વ્યવસ્થીત કપડા પહેરી ઉભેલ હોય, તેની પાસે ગયો તો તેઓએ ડી.કે. પટેલ સાહેબ હોવાની ઓળખ આપી, ગાંધીનગર સચીવાલયમાં શ્રમ વિભાગમાં ઓફીસર તરીકે નોકરી કરે છે કહીં કારખાનેદારને કડક કાર્યવાહી કરવાનું કહી ભયભીત કર્યા હતાં.

ફરીયાદીએ કહેલ મારે આવી રીતે હેરાન નથી થવુ આપ જેમ કહેશો તેમ હુ કરીશ તેવી કહેતા આ ડી.કે.પટેલએ રૂ.40 હજારની માંગણી કરેલ તો તેને કહેલ કે, હાલ મારી પાસે આટલા રૂપીયા તો નથી, મારી પાસે રોકડા 10 હજાર છે, તમે કહેતા હોય તો તે આપી દવ અને બાકીના રૂપીયા મારા કારખાનાનો નીલ રીપોર્ટ આપી દયો પછી આપીશ. તેમ કહેતા તેઓએ કહેલ કે, કોઇ વાંધો નહી અત્યારે 10 હજાર આપી દો બાકીના રૂપીયા તમારા કારખાનાનો નીલ રીપોર્ટ આપી દીધા પછી આગંડીયા મારફતે મોકલી આપજો.

જેથી ફરીયાદીએ આરોપીને રોકડા રૂ.10 આપેલ હતા. બાદ ડી.કે.પટેલને તેના વોટ્સઅપ નંબરથી અનેક વખત કોન્ટેક કરેલ પરંતુ તેઓએ ફોનના કોઇ જવાબ આપેલ નહી, જેથી થયેલ કે આ શખ્સ સાહેબ તરીકે ઓળખાણ આપેલ તેવુ કોઇ સચીવાલય નોકરી કરતા નહી હોય અને આ વ્યક્તીએ કારખાનામાં બાળકો પાસે અસહનીય મજુરી કામ કરાવી તેઓના મૃત્યુ થઇ શકે તેવો ભય બતાવી બળજબરીથી રૂ.10 હજાર પડાવી લેતાં ફરીયાદ નોંધાવી હતી.  

તમારી આખી જીંદગી જેલમાં જશે અને તમારો પરીવાર હેરાન પરેશાન થઇ જશે

રાજકોટ. તા.14
55 વર્ષના ગઠિયાએ ફરીયાદીને કહ્યું કે, કારખાનામાં જે બાળકો મજુરી કરતા પકડાયેલ તેમા બાળકોની તસ્કરી કરી તમારા કારખાને ગોંધી રાખેલ હોય અને તેવા બાળકો પાસે તમો દિવસ દરમ્યાન 20-20 કલાક અસહનીય મજુરી કામ કરાવો છો અને પુરતુ જમવાનુ આપતા નથી.

તેવી સ્થીતીમાં બાળકોનુ મૃત્યુ પણ થઇ શકે તેમ હોય જેથી મારે તમારા ગુનામાં કલમનો ઉમેરાનો રીપોર્ટ આપવો પડશે. જેથી તમારી આખી જીંદગી જેલમાં જશે અને તમારો પરીવાર હેરાન પરેશાન થઇ જશે. તેમ બાળકોના મૃત્યુનો ડર બતાવેલ હતો.

 

 

 

 

Print