|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
મુંબઈ
અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ 'હૈવાન' માટે પહેલું વિકેન્ડ બોક્સ ઓફિસ પર ખાસ ધમાકેદાર સાબિત થયું નથી. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક (Sacnilk) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, પ્રિય દર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પ્રથમ ત્રણ દિવસમાં 7.35 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. શુક્રવારે સામાન્ય શરૂઆત બાદ શનિવારે થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ રવિવારે કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે.
'હૈવાન' ફિલ્મે શુક્રવારે 3 કરોડ રૂપિયાથી ખાતું ખોલ્યું હતું. શનિવારે 2.50 કરોડ રૂપિયાની કમાણી સાથે થોડી આગળ વધી હતી, પરંતુ આ ગતિ જળવાઈ રહી નહોતી. રવિવારે ફિલ્મે 1.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું, જે શનિવારની સરખામણીએ 26 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આ સાથે, 'હૈવાન'નું ભારતમાં ગ્રોસ કલેક્શન માત્ર 8.80 કરોડ રૂપિયા અને નેટ કલેક્શન 7.35 કરોડ રૂપિયા થયું છે. વિદેશી માર્કેટ (ઓવરસીઝ) માં ફિલ્મે થોડું સારું પ્રદર્શન કર્યું છે.
રવિવારે 0.75 કરોડ રૂપિયા એકત્ર કરીને વિદેશી ગ્રોસ કલેક્શન 2.75 કરોડ રૂપિયા પહોંચાડ્યું છે. આ સાથે ત્રણ દિવસમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ (વિશ્વભરનું) ગ્રોસ કલેક્શન 11.55 કરોડ રૂપિયા થઈ ગયું છે.
શૂટિંગ અને વાર્તા
'હૈવાન' ફિલ્મની વાર્તા શ્યામ (સૈફ અલી ખાન) ની આસપાસ ફરે છે, જે એક દ્રષ્ટિહીન કેરટેકર છે અને તેના પર રિટાયર્ડ જજ પ્રધાનની હત્યાનો આરોપ લાગે છે. પરિસિ્થતિ ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે પરશુરામ (અક્ષય કુમાર) જજની પુત્રી નંદિની પર બદલો લેવા નીકળે છે.
શ્યામ એક તરફ પોલીસથી ભાગી રહ્યો છે અને બીજી તરફ નંદિનીનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેને નંદિની વિશે એક એવું રહસ્ય ખબર પડે છે જે બધું બદલી નાખે છે.
2 કલાક અને 45 મિનિટની આ ફિલ્મ મલયાલમ થ્રિલર 'ઓપ્પમ' (Oppam) ની હિન્દી રિમેક છે. જેને CBFC તરફથી U/A સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મમાં બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર અને સયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે, જ્યારે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલનો સ્પેશિયલ કેમિયો છે.