www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નો નોન-વેજ : તમામ દુકાનો શહેરની બહાર ખસેડવા આદેશ

ગુજરાતના પાલિતાણા બાદ ઉતરપ્રદેશનું વારાણસી સંપૂર્ણ શાકાહારી શહેર બનશે!?!


ધાર્મિકનગરીમાં ખાનપાનના નવા નિયમો : માંસાહાર વેચાણ-વપરાશ પર પ્રતિબંધ નહીં છતાં સાંસ્કૃતિક ગરિમા જાળવવા નિર્ણય

સાંજ સમાચાર

વારાણસી, તા. 25 
વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની અંદર ચાલતી માંસ, મચ્છી અને મરઘાં (પોલ્ટ્રી) ની દુકાનોને શહેરની સરહદની બહાર ખસેડવાનો એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આગામી છ મહિનામાં, એટલે કે દિવાળી પહેલાં, અંદાજે 350થી 400 જેટલી દુકાનોને તબક્કાવાર રીતે શહેરની મધ્યમાંથી હટાવીને પાંચ નિયત બાહ્ય વિસ્તારો-રામનગર, સુજાબાદ, ગણેશપુર, અવાલેશપુર અને શિવપુરમાં શિફ્ટ કરવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક રહીશોમાં રોજિંદા ખાનપાન અને ખરીદીના અંતરને લઈને ભારે ચર્ચા જાગી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય કાશી નગરીના રસ્તાઓને વધુ સ્વચ્છ રાખવાનો, કચરાનું યોગ્ય સંચાલન કરવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ધાર્મિક નગરીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગરિમાને જાળવી રાખવા માટે લેવાયો છે. જો કે, આ વહીવટી ફેરફારથી વારાણસી સંપૂર્ણ શાકાહારી શહેર નથી બની રહ્યું, કારણ કે માંસના વેચાણ કે વપરાશ પર કોઈ પ્રતિબંધ નથી, માત્ર તેના વેચાણના સ્થળો બદલવામાં આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતનું પાલીતાણા વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં માંસ-મટનના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ કાનૂની પ્રતિબંધ છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા કિનારાના ઘાટો માટે પ્રખ્યાત એવા વારાણસીમાં સદીઓથી વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓ સાથે મળીને રહે છે. દેવોના દેવ મહાદેવની નગરી હોવાનાં કારણે લોકમાનસમાં તેને શાકાહારી ક્ષેત્ર માનવામાં આવતું હોવા છતાં, વાસ્તવિકતામાં અહીં વસતા ઠાકુર, મુસ્લિમ અને બંગાળી સમુદાયોની પરંપરાગત આહારશૈલીમાં માંસ અને માછલીનો નિયમિત સમાવેશ થાય છે. વર્ષ 2026ના અંદાજિત વસ્તી આંકડા મુજબ, શહેરી વિસ્તારમાં આશરે 68-72 ટકા હિન્દુ અને 27-30 ટકા મુસ્લિમ વસ્તી વસે છે. દુકાનો બહાર ખસેડવાના કારણે હવે આ તમામ સમુદાયનાં ગ્રાહકોએ રોજિંદી ખરીદી માટે લાંબી મુસાફરી કરવી પડશે અને પૂર્વ આયોજન કરવું પડશે.

કોર્પોરેશનના આ નિર્ણય સામે સ્થાનિક જનતામાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યાં છે. કેટલાક લોકો સ્વચ્છતા અને તહેવારોના સમયે થતી અગવડતામાં ઘટાડો થશે તેમ માનીને આ નિર્ણયને આવકારી રહ્યાં છે.

બીજી તરફ, કેટલાક રહીશોએ તંત્રની પ્રાથમિકતાઓ સામે સવાલો ઉઠાવ્યાં છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે માંસ ઘરોની અંદર રાંધવામાં આવે છે જેનાથી સાર્વજનિક સ્થળોએ કોઈ અડચણ થતી નથી, જ્યારે જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ચાલતી દારૂ અને ભાંગની દુકાનો તેમજ અઘોરી પરંપરાના નામે થતો ગાંજાનો વપરાશ પ્રવાસીઓ અને મહિલાઓ માટે વધુ અગવડતા ઊભી કરે છે. તંત્રએ આવી નશાકારક પ્રવૃત્તિઓ અને ટ્રાફિક વ્યવસ્થા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

વારાણસીમાં લેવાયેલું આ પગલું ભારતનાં અન્ય પવિત્ર યાત્રાધામો જેવા કે અયોધ્યા, હરિદ્વાર અને તિરૂપતિની યાદ અપાવે છે, જ્યાં ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને મુખ્ય મંદિર પરિસરોની આસપાસ માંસ અને મદિરાના વેચાણ પર આંશિક કે પૂર્ણ પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જો કે, જ્યારે સંપૂર્ણ શાકાહારી નગરની વાત આવે ત્યારે ગુજરાતનું પાલીતાણા મોખરે રહે છે, જ્યાં જૈન તીર્થધામોની પવિત્રતા અને અહિંસાના સિદ્ધાંતને કારણે 2014થી જ માંસ-ઈંડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 

Print