|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
અમદાવાદઃ લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવાના અને છેતરપિંડી આચરવાના એક મહત્વના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો પુખ્ત વયના પુરુષ અને સ્ત્રી વચ્ચે લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી પ્રેમસંબંધ રહ્યો હોય અને તેઓ સાથે ફર્યા કે રહ્યા હોય, તો સંબંધોનો અંત આવ્યા પછી માત્ર લગ્ન ન થઈ શકવાના કારણે તેને રેપ કે દગાખોરીનો ગુનો ગણી શકાય નહીં.
આ મહત્વની ટિપ્પણી સાથે હાઈકોર્ટે અરજદાર યુવક સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ (FIR) અને તેની સાથે જોડાયેલી તમામ કાર્યવાહીને રદ કરવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, પીડિતાએ યુવક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ લગ્નની લાલચ આપીને છેતરપિંડીથી શારીરિક સંબંધો બાંધવાનો આરોપ લગાવીને ગાંધીધામ વિસ્તારમાં એફ.આઈ.આર. નોંધાવી હતી.
મહિલાનો આરોપ હતો કે, યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જેના કારણે તેણે શારીરિક સંબંધો બાંધવા માટે સંમતિ આપી હતી. આ દરમિયાન બંને અલગ-અલગ સ્થળોએ ફરવા ગયા હતા અને ગેસ્ટ હાઉસમાં સાથે રોકાયા પણ હતા. જોકે, પાછળથી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર યુવકના એડવોકેટે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, બંને વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે પરસ્પર સંમતિ પર આધારિત હતો. બંને પુખ્ત વયના હતા અને પોતાના નિર્ણયો લેવા માટે સક્ષમ હતા.
સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપતાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, જો કોઈ પ્રેમસંબંધ કોઈ કારણસર નિષ્ફળ જાય અથવા લગ્નમાં પરિણમી ન શકે, તો તેને આપોઆપ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય માની શકાય નહીં.
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો અને કેસના કાગળોની બારીકાઈથી તપાસ કર્યા નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષની પોતાની વિગતો પરથી પણ એ સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. મહિલા પોતાની મરજીથી યુવક સાથે અલગ-અલગ જગ્યાએ ગઈ હતી અને સાથે સમય વિતાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાના આધારે કોર્ટે અવલોકન કર્યું હતું કે, જ્યારે બે પુખ્ત વ્યક્તિઓ લાંબા સમય સુધી એકબીજાની સંમતિથી શારીરિક સંબંધ જાળવી રાખે છે, ત્યારે પાછળથી એવું બહાનું ન કાઢી શકાય કે આ સંમતિ માત્ર લગ્નના વચનના આધારે જ આપવામાં આવી હતી.
દરેક પ્રેમસંબંધ તૂટવાનો અર્થ એ નથી થતો કે શરૂઆતથી જ યુવકની દાનત છેતરપિંડી કરવાની હતી. જો સંબંધમાં શરૂઆતથી જ કોઈ મિથ્યા આશય અથવા દગો આપવાનો હેતુ સાબિત ન થાય, તો ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે યુવકને મોટી રાહત આપતાં તેની સામેની એફ.આઈ.આર. રદ કરવાનો આદેશ સંભળાવ્યો છે.