www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુવતિના મોબાઇલમાંથી પ્રેમીને મેસેજ કરી ઘરે બોલાવ્યા બાદ મોતને ઘાટ ઉતારાયો


જામનગરના દરેડ વિસ્તારની ઘટના : ધોકા વડે માર મારી 17 વર્ષના તરૂણને મારી નાખવા અંગે ગુન્હો નોંધાયા બાદ ચારેય આરોપીઓની ધરપકડ

સાંજ સમાચાર

જામનગર, તા.14
જામનગર નજીકના દરેડ ખાતે શનિવારે ધોકા વડે હુમલો કરી સગીરને મોતને ખાત ઉતારી દીધાની સનસનાટીભરી ઘટના મામલે પ્રેમસબંધ કારણભૂત હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આરોપીઓના પરિવારની દિકરી સાથે મૃતક યુવાનને પ્રેમસબંધ હોવાથી આ મામલે આરોપીઓને જાણ થયા બાદ પ્રેમિકાના મોબાઈલમાંથી મેસેજ કરી ઘરે બોલાવ્યો અને ચાર શખ્સોએ ધોકા વડે માર મારી સગીરનું ઢીમ ઢાળી દીધા બાદ ઢસડીને બહાર શેરીમાં ફેંકી દીધો હતો. જે મામલે ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકમાં 4 આરોપીઓને દબોચી લીધા છે. જેને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજુ કરાશે.

દરેડમાં રહેતા સાગર રમેશભાઈ ખરા નામના 16 વર્ષિય કિશોરને ગામમાં રહેતી એક સગીરા સાથે પ્રેમ સબંધ હતો. આ વાતની જાણ સગીરાના પરીજનોને થઈ જતા સગીરાના પરિવાર સભ્ય એવા આરોપીએ પ્રેમિકાના મોબાઈલ ફોનમાંથી સાગરને મેસેજ કરીને સવારના આશરે નવ વાગ્યે પોતાના ઘરે બોલાવ્યો હતો.

મેસેજના આધારે સાગર પ્રેમિકાને મળવા ઘરે પહોંચ્યો ત્યારે આરોપી દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદિશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભિ અગ્રાવત નામના શખ્સોએ સાગરને પકડી ઘરના ઉપરના માળે લઈ ગયા હતા. ત્યારબાદ ચારેયે મળી સાગરને ધોકા વડે બેફામ માર માર્યો હતો.

સાગરને માર માર્યા બાદ બે આરોપીઓએ ઘરમાંથી ઢસડીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ રામકેશ ઉર્ફે પિન્ટુ સહિતના બે શખ્સોએ તેને ટીંગાટોળી કરીને શેરીમાં મૂકી દીધો હતો. આ બનાવની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સાગરનું મોત નીપજ્યું હોવાનું જણાવાયું હતું.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે મામલે જાણ થતાં પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. રાઠોડ સહિતનો સ્ટાફ બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો જ્યાં મૃતકના ભાઈ પીયુષ ખરાની ફરિયાદના આધારે દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદિશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભિ અગ્રાવત સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે આજે તા. 13 ના રોજ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

 

Print