|
SANJ SAMACHAR | Date: 25-06-2026 Thursday | Rajkot |
|
|
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.25
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈકાલે સાંજે એક સિંહણના હુમલાની વધુ એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં પોતાના પિતાની આંગળી પકડીને આવી રહેલા 6 વર્ષીય બાળક પર અચાનક સિંહણે હુમલો કરી તેને દબોચીને ઉપાડી જતાં બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી સાથે લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે.
આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, ખાંભા તાલુકાના ચતુરી ગામના રહેવાસી જીયાન દેવકુભાઈ સીઢા (ઉ.વ. 6) ગઈકાલે સાંજે પોતાના પિતા સાથે ગામ નજીકના વિસ્તારમાંથી આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક સિંહણ ઘાતક રીતે ધસી આવી હતી. અને પિતાની નજર સામે જ બાળકને દબોચીને દૂર સુધી ખેંચી લઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતા વચ્ચે નજીકમાં રહેલા સિંહે પણ હુમલામાં સાથ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. બાળકને બચાવવા માટે પિતા તથા આસપાસના લોકો દ્વારા હાકાલા પડકારા કરવામાં આવતા અને ઘટનાની જાણ થતાં ચતુરી ગામ સહિતના આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
લોકોના હોબાળા અને અવાજને કારણે સિંહ અને સિંહણ બાળકને છોડીને જંગલ તરફ નાસી છૂટ્યા હતા. જોકે ત્યાં સુધીમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ, પોલીસનો કાફલો તથા અન્ય તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હુમલાખોર સિંહ અને સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા સઘન શોધખોળ અને ટ્રેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચતુરી ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતો અને પશુપાલકોમાં ખાસ કરીને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા વન વિભાગ સામે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા તેમજ માનવ વસાહતો નજીક સતત દેખાતા સિંહોને પકડવાની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન સિંહોના હુમલાની આ તચોથી ગંભીર ઘટના હોવાનું સામે આવ્યું છે. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને સિંહોની વધતી અવરજવર પર નિયંત્રણ લાવવા તંત્ર પાસે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
ઘટનાને પગલે સમગ્ર ચતુરી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, જ્યારે નિર્દોષ બાળકના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
વન વિભાગે મેગા રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહણને પાંજરે પૂરી
અમરેલીઃ ખાંભા તાલુકના ચતુરી ગામે 6 વર્ષીય બાળક પર થયેલા જીવલેણ હુમલા બાદ વન વિભાગે તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું . ACF ના જણાવ્યા મુજબ તુલસીશ્યામ રેન્જ હેઠળના ચતુરી રેવન્યુ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની હતી.
ઘટનાસ્થળ નજીક બે વન્ય પ્રાણીની હાજરી નોંધાઈ હતી. જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવી છે, જ્યારે અન્ય વન્ય પ્રાણીને પકડવા માટે વન વિભાગની ટીમો દ્વારા રાતભર સઘન સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાતા વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રહેવાની અપીલ કરવામાં આવી છે.