www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટીમ ઈન્ડિયાને ઝટકો : શ્રેયસ અય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે


એશિયન ગેમ્સ અને હોમ સિરીઝની મેચો એક જ દિવસે યોજાતી હોવાથી વનડે સિરીઝ ગુમાવવી પડી શકે

સાંજ સમાચાર

નવી દિલ્હી તા, 9
ઓક્ટોબર મહિનામાં ભારતીય ક્રિકેટમાં એક અનોખી સ્થિતિ સર્જાવા જઈ રહી છે, જ્યાં એક જ સમયે ભારતની બે અલગ-અલગ ક્રિકેટ ટીમો બે જુદા જુદા દેશો સામે રમતી જોવા મળશે.

આ સ્થિતિને કારણે વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરનું વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી વનડે સિરીઝમાં રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. અય્યર વનડે ટીમનો ઉપ-કેપ્ટન હોવા છતાં એશિયન ગેમ્સની મહત્વની જવાબદારીઓને લીધે આ સિરીઝ ગુમાવી શકે છે.

વાસ્તવમાં, સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સ રમવા માટે જાપાન જવાની છે. ભારત એશિયન ગેમ્સમાં સીધું સેમિફાઇનલમાં રમશે, અને તેની મેડલ રાઉન્ડની મેચો 3 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ એ જ દિવસે ન્યૂ ચંડીગઢ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ પણ યોજાનાર છે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો બંને ટીમો એક જ દિવસે અલગ-અલગ દેશોમાં મેદાનમાં હશે.

શ્રેયસ અય્યર એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટી-20 ટીમનો કેપ્ટન છે, જેથી તે 22 સપ્ટેમ્બરે જાપાન જનારી ટીમ સાથે રવાનાં થશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની મેચો ટી-20 ફોર્મેટમાં રમાશે. આ પ્રવાસમાં વ્યસ્ત રહેવાના કારણે તે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ વનડે સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ બની શકશે નહીં.

આ દરમિયાન, બીસીસીઆઈના પ્રમુખ મિથુન મન્હાસે એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલી ભારતની આખી ટુકડીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ક્રિકેટ ટીમ સહિતનાં તમામ ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવશે.

 

Print