www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સટ્ટાખોરી ડામવાના સેબીના પ્રયાસોથી એકટીવ ડેરિવેટીવ્ઝ ટ્રેડરો ઘટયા છતાં...

શેરબજારના ફયુચર ટ્રેડીંગમાં 10માંથી 9 ટ્રેડરને ખોટ : 91685 કરોડનુ નુકશાન


ટ્રેડરોની સરેરાશ નુકશાની વધીને 1.17 લાખ : પ્રોપરાઈટરી ટ્રેડરોએ 44480 કરોડની કમાણી કરી

સાંજ સમાચાર

રાજકોટ, તા.21
શેરબજારમાં નાના ઈન્વેસ્ટરોને સટ્ટાખોરીના રવાડે ચડતા રોકવા માટે સેબીના અનેકવિધ પ્રયાસો છતાં ફયુચર એન્ડ ઓપ્શનના વળગણમાં સપડાતા રોકાણકારો જંગી નુકશાની કરી જ રહ્યા છે. ગત નાણાં વર્ષમાં પણ 10માંથી 9 ડેરીવેટીવ્ઝ ટ્રેડરોએ નુકશાની વેઠી હતી અને તેનો આંકડો 91685 કરોડ થવા જાય છે.

સેબીએ કરેલા નવા અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે, ડેરિવેટીવ્ઝ ક્ષેત્રમાં નાના ઈન્વેસ્ટરોની ભાગીદારીમાં 18 ટકા જેવો નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં નુકશાની 91685 કરોડ જેવી મોટી થવા જાય છે.

ગત નાણાંકીય વર્ષમાં ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં રીટેઈલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ રોકાણકારો, એનઆરઆઈ જેવા વર્ગના સક્રીય ટ્રેડરોની સંખ્યા 87.5 લાખ નોંધાઈ હતી તે આગલા વર્ષમાં 106.2 લાખ હતી.

શેરબજારમાં દાખલ થયેલા નવા ઈન્વેસ્ટરોમાંથી 20.8 લાખ ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગમાં સક્રીય હતા જે સંખ્યા આગલા વર્ષે 34.3 લાખ હતી. મહત્વની વાત એ છે કે 46 લાખ ઈન્વેસ્ટરોએ શેરબજારને `રામ-રામ' કરી દીધુ હોય તેમ વર્ષ દરમ્યાન માર્કેટથી દુર જ રહ્યા હતા.

સેબીના રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, ગત નાણાં વર્ષમાં 91685 કરોડની નુકશાની હતી તે આગલા વર્ષની 1.12 લાખ કરોડ કરતા ઓછી હતી છતાં ટ્રેડર દીઠ સરેરાશ નુકશાની 1.13 લાખથી વધીને 1.10 લાખ થઈ છે.

રિપોર્ટ મુજબ ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગ કરનારા 87.7 ટકા ઈન્વેસ્ટરોએ નુકશાની કરી હતી. અર્થાત 10માંથી અંદાજીત 5 ટ્રેડરોએ નાણાં ગુમાવ્યા હતા. 2025ના નાણાંકીય વર્ષમાં 90.9 ટકા ટ્રેડરોએ નુકશાની વેઠી હતી તેમાં ઓપ્શન ટ્રેડીંગમાં ખોટ કરનારા ઈન્વેસ્ટરોની ટકાવારી 92 ટકા હતી.

2026ના વર્ષમાં પ્રોપરાઈટરી ટ્રેડરોએ 44480 કરોડની કમાણી કરી હતી જે આગલા વર્ષે 45950 કરોડ હતી. 2026માં એફપીઆઈનો નફો રૂા.13900 કરોડ હતો જે આગલા વર્ષના 31080 કરોડ કરતા ઓછો છે.

`ચિલ્લર' શેરોથી મોટી કમાણીની લાલચ મોંઘી પડશે
બોગસ લોન બતાવી શેરોના ભાવ ઊંચા લઈ જવાની નવી જાળ ; લાલચમાં આવીને શેર ખરીદનારા રોકાણકારોની મૂડી ડૂબવાનું જોખમ
નવી દિલ્હી, તા. 21

શેરબજારમાં ઘણી વાર કૃત્રિમ રીતે શેરની કિંમત વધારીને બાદમાં ઊંચા ભાવે વેચવાનો ખેલ ખેલાય છે. આને સામાન્ય ભાષામાં 'પંપ એન્ડ ડમ્પ' કહેવામાં આવે છે. પેની શેર અને આઈપીઓમાં આવું અવારનવાર જોવા મળે છે. ધેનુ બિલ્ડકોન ઈન્ફ્રાના કિસ્સામાં સેબીની તાજેતરની અંતરિમ કાર્યવાહીએ આવા જોખમોને ફરી સામે લાવી દીધાં છે.

સેબીના જણાવ્યાં અનુસાર, કંપનીએ માત્ર 25 કરોડ રૂપિયાની રકમને વારંવાર અંદરોઅંદર જોડાયેલી કંપનીઓમાં ફેરવીને 1,000 કરોડ રૂપિયાની અસુરક્ષિત લોન દર્શાવી. બાદમાં 840 કરોડ રૂપિયાની લોનને પ્રેફરનિ્શયલ એલોટમેન્ટના આધારે ઈક્વિટી શેરોમાં બદલી દેવામાં આવી. એટલે કે લોન આપનારી છ સંસ્થાઓને આ મૂલ્યના નવા શેર ઈશ્યૂ કરવામાં આવ્યાં. આનાથી કંપનીનું માર્કેટ કેપ એક સમયે આશરે ત્રણ કરોડથી વધીને 4,925 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.

આની અસર એ થઈ કે કંપનીના શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. જાન્યુઆરી 2024માં કંપનીનો શેર 1.50 રૂપિયાના ભાવે હતો, જે જૂન 2026 સુધીમાં 11.50 રૂપિયા પર પહોંચી ગયો. આ પછી જુલાઈમાં શેરોમાં ડમ્પિંગ એટલે કે તીવ્ર વેચવાલી શરૂ થઈ ગઈ. 15 ઓગસ્ટે સેબીએ છ સંસ્થાઓ પર શેર વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો.

નાના રોકાણકારો માટે જાળ 
તજજ્ઞોના જણાવ્યાં અનુસાર, જ્યારે કંપનીઓ બોગસ લોનને ઈક્વિટીમાં બદલીને શેરોના ભાવ કૃત્રિમ રીતે વધારે છે, ત્યારે સામાન્ય રોકાણકારો લાલચમાં આવીને શેર ખરીદી લે છે. બાદમાં ભાવ ઘટતાં તેમની મૂડી ડૂબી જાય છે. ધેનુ બિલ્ડકોનના કિસ્સામાં સેબીએ આવી જ પેટર્ન પકડી છે.

આવા કિસ્સાઓમાં ચિલ્લર એટલે કે પેની શેર વાળી કંપનીઓ અચાનક મોટી રકમ મળવાની કે લોનને શેરમાં બદલવાની જાહેરાત કરીને તેને મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરે છે. તેનાથી શેરમાં ખરીદી વધે છે તો કિંમતમાં ઝડપી ઉછાળો આવે છે.

બીજી તરફ, આઈપીઓના કિસ્સામાં કંપનીનું વેલ્યુએશન ખૂબ ઊંચું બતાવીને શેરને ઊંચા ભાવે લિસ્ટ કરવાનો પ્રયાસ થાય છે. આ લિસ્ટ થયા પછી મોટા રોકાણકારો શેર વેચીને નીકળી જાય છે, જ્યારે નુકસાન નાના રોકાણકારોને વેઠવું પડે છે.

`પંપ એન્ડ ડમ્પ'નો ખેલ  સમજો 
પંપ એન્ડ ડમ્પ શેર એવા શેર હોય છે, જેની કિંમતને જાણીજોઈને ઝડપથી વધારવામાં આવે છે. પહેલાં કેટલાક લોકો ઓછી કિંમતે શેર ખરીદે છે, પછી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી શેર અંગે સકારાત્મક પ્રચાર કરવામાં આવે છે.

કિંમત વધવા પર શરૂઆતી રોકાણકારો પોતાના શેર વેચીને નફો કમાઈ લે છે. આ પછી કિંમત ઝડપથી ઘટે છે અને ઊંચી કિંમતે ખરીદનારા નાના રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે.

આ સંકેતોને ન કરો નજરઅંદાઝ
1.  કંપનીની કમાણી સ્થિર, પણ શેર અનેક ગણા વધવા
2.  ખૂબ ઓછી કિંમતવાળા શેરમાં અચાનક મોટો કારોબાર વધી જવો
3.  સોશિયલ મીડિયા પર સતત એક જ શેરનો પ્રચાર થવો
4.  વારંવાર પ્રેફરનિ્શયલ એલોટમેન્ટ કે નવા શેર ઈશ્યૂ થવા
5.  કંપનીના કારોબારની સરખામણીમાં માર્કેટ કેપ અસામાન્ય રીતે વધવું

Print