|
SANJ SAMACHAR | Date: 13-08-2026 Thursday | Rajkot |
|
|
અમરાવતી, તા. 13
આજનાં આધુનિક યુગમાં જ્યાં નાના પરિવારોનું ચલણ વધી રહ્યું છે, ત્યાં આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાનાં કુર્લાપલ્લી ગામમાંથી એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો 'નાગપ્પા પરિવાર' આજે પણ ભારતીય સંયુક્ત પરિવારની પરંપરાને પૂરા ગૌરવ સાથે જીવંત રાખી રહ્યો છે.
આ અનોખા કુંટુંબમાં કુલ 83 સભ્યો છે, જેમાં 6 સાસુ, 14 વહુઓ, 20 બાળકો અને વડીલો સહિત છ પેઢીઓ એકસાથે હસી-ખુશીથી રહે છે. પરિવારની કમાન હાલ બે વડીલો-હનુમંતરાયડુ અને મુત્યાલપ્પાના હાથમાં છે.
આ પરિવાર ભલે નજીક-નજીક બાંધેલા ચાર અલગ-અલગ મકાનોમાં રહેતો હોય, પરંતુ તેમનું દિલ અને રસોડું એક જ છે. દરરોજ સવારે વડીલો ચા-કોફી સાથે બેસીને આખા દિવસનાં કામની યોજના બનાવે છે.
બહારનાં તમામ કામકાજ, રાશન, તબીબી સારવાર અને બાળકોની સ્કૂલ ફી જેવી જવાબદારીઓ ચોથી પેઢીનાં પરપૌત્ર મહેશ સંભાળે છે. ઘરમાં માટી અને લાકડાના દેશી ચૂલા પર જ 83 લોકોનું ભોજન બને છે, જેમાં દરરોજ રાગી અને જુવારના રોટલા તૈયાર કરવામાં આવે છે.
આ પરિવારની આજીવિકાનો મુખ્ય આધાર 120 એકર જમીનમાં થતી ખેતી છે, જેમાં મગફળી, ટામેટાં, મરચાં અને વિવિધ ફળો ઉગાડવામાં આવે છે. આ સિવાય તેઓ 'શ્રી ક્રિષ્ના હનુમાન ટ્રાવેલ્સ' નામે 5 બસો પણ ચલાવે છે.
તેમની પાસે 1000 ઘેટાં, 70 ભેંસો, 3 ટ્રેક્ટર અને અન્ય વાહનો છે. તહેવારો દરમિયાન જ્યારે આખો પરિવાર એકઠો થાય છે, ત્યારે એક જ સમયના ભોજનમાં ત્રણ બકરાં અને કેટલાય કિલો ચિકન રંધાય છે.
આટલા મોટા પરિવારમાં નાના-મોટા મનમોટાવ થાય તો પણ સાંજે સૂરજ આથમતા પહેલાં જ બધું સાથે બેસીને ઉકેલી લેવામાં આવે છે. ઘરની વહુઓ એકબીજા સાથે દેવરાણી-જેઠાણી નહીં પરંતુ સગી બહેનો અને પાકી બહેનપણીઓની જેમ રહે છે, અને વડીલો પણ તેમને દીકરીઓ જેવો જ પ્રેમ આપે છે. પરિવારનાં સભ્યોનું સ્પષ્ટ કહેવું છે કે રહેવા માટે જરૂર પડે તો બીજા ચાર મકાન બનાવી લઈશું, પરંતુ જીવતેજીવ પરિવારનાં ભાગલા ક્યારેય નહીં થવા દઈએ.