www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાષ્ટ્રીય લોકઅદાલતમાં જામનગર જિલ્લાના 11,446 કેસમાંથી 3796 નો સુખદ નિકાલ


સાંજ સમાચાર

જામનગર તા.14: જામનગર જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 11,446 જેટલા નાના-મોટા કેસો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી કાયદાકીય પ્રક્રિયા અને પરસ્પર  સંમતિથી 3,796 કેસોનો સફળતાપૂર્વક અને બંને પક્ષોના રાજીપા સાથે સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર સરાહનીય કામગીરી દરમિયાન જામનગરના અરજદારો અને સામસામેના પક્ષકારો વચ્ચે કુલ રૂ.11,67,55,049 ની માતબર રકમનું સેટલમેન્ટ અને સદભાવનાપૂર્ણ સમાધાન થયું હતું.

કામગીરીના વિભાજન પર નજર કરીએ તો, પ્રી-લિટિગેશન કેસો એટલે કે કોર્ટમાં કેસ વિધિવત દાખલ થયા પહેલાંના વિવાદોમાં કાયમી સમાધાન લાવવાના હેતુથી કુલ 7,351 કેસો વિચારણા હેઠળ લેવામાં આવ્યા હતા. જેમાંથી 830 કેસોનો સ્થળ પર જ સુખદ અંત આવ્યો હતો.

અને રૂ.1,60,63,930ની રકમનું સેટલમેન્ટ થયું હતું. બીજી તરફ, જામનગરની વિવિધ અદાલતોમાં લાંબા સમયથી ચાલતા પડતર કેસોમાંથી 1,771 કેસો બોર્ડ પર લેવાયા હતા, જેમાં 644 કેસોમાં પક્ષકારો વચ્ચે સફળ સમજૂતી થઈ હતી અને રુ.10,06,91,119 ની રકમ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્પેશિયલ સિટીંગ અંતર્ગત હાથ ધરાયેલા 2,324 કેસોમાંથી અભૂતપૂર્વ સફળતા મેળવીને 2,322 કેસોનો ત્વરિત અને સુચારુ નિકાલ  કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતના આ ભવ્ય આયોજનથી સામાન્ય નાગરિકોને કોર્ટ-કચેરીના ચક્કર, લાંબી સમયમર્યાદા અને આર્થિક ખર્ચમાંથી મોટી રાહત મળી છે. વર્ષો જૂના મનદુ:ખ અને મતભેદોનો કાયમી ઉકેલ લાવવાની સાથે સાથે જામનગરના સમાજમાં પરસ્પર ભાઈચારો અને સદ્ધાવના જળવાઈ રહે તે દિશામાં આ લોક અદાલત આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

 

Print