|
SANJ SAMACHAR | Date: 24-08-2026 Monday | Rajkot |
|
|
નવી દિલ્હી તા, 24
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં કથળતી જતી તબિયતને લઈને વિશ્વભરનાં ક્રિકેટ દિગ્ગજો ચિંતામાં મુકાયાં છે. ભારતનાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને દિલીપ વેંગસરકર સહિત વિવિધ દેશોનાં 21 ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહબાઝ શરીફને ઈમેલ દ્વારા એક સંયુક્ત પત્ર મોકલ્યો છે.
આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે, 73 વર્ષીય ઇમરાન ખાન સાથે જેલમાં માનવીય વ્યવહાર કરવામાં આવે અને દેશની સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ તેમનાં અંગત ડોક્ટરોની હાજરીમાં તેમની યોગ્ય અને સ્વતંત્ર તબીબી તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. પત્ર લખનારાઓમાં ઓસ્ટ્રેલિયાનાં 8, ઈંગ્લેન્ડના 6, ભારતનાં 3, ન્યુઝીલેન્ડના 2 તેમજ વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકાનાં 1-1 પૂર્વ કેપ્ટનનો સમાવેશ થાય છે.
આ અગાઉ છ મહિના પહેલાં પણ 14 પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને આ અંગે અપીલ કરી હતી, જેમાં હવે વધુ 7 પૂર્વ કેપ્ટનો જોડાયાં છે. દિગ્ગજોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રમતગમતનાં સંબંધો અને રમત ભાવનાના આધારે આ અપીલ કરી રહ્યાં છે, કોઈ રાજકીય હેતુથી નહીં.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની તપાસ માટેનાં મેડિકલ બોર્ડમાં તેમનાં અંગત ડોક્ટર ફેસલ સુલ્તાન અને બહેન ડો. ઉઝમા ખાનને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ પરિજનો અને વકીલોનો આરોપ છે કે સરકારી ટીમે સુપ્રીમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન કરીને યોગ્ય તપાસ વિના જ તેમને ટૂંક સમયમાં ફિટ જાહેર કરી અદિયાલા જેલ પરત મોકલી દીધાં હતાં.
બીજી તરફ, બ્રિટનના પૂર્વ મંત્રી અને ઇમરાન ખાનના પૂર્વ સાળા જેક ગોલ્ડસ્મિથે પણ બ્રિટિશ વિદેશ મંત્રીને પત્ર લખીને આ મામલે કૂટનીતિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
ઓગસ્ટ 2023થી રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનો આરોપ છે કે તેમને રાજકારણથી દૂર રાખવા માટે તોશાખાના, સાયફર અને અલ-કાદિર ટ્રસ્ટ જેવા રાજકીય કેસોમાં ફસાવવામાં આવ્યા છે. હાલમાં જ તેમનાં વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જેલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે ઇમરાન ખાનની જમણી આંખની 85 ટકા દ્રષ્ટિ જતી રહી છે.