www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિધાનસભામાં ત્રણ દિવસમાં 18.32 કલાક કામગીરી : 7 વિધેયક પસાર


♦ 1356 તારાંકરિત પ્રશ્નો રજુ થયા, 29માં મૌખિક ચર્ચામાં બાવન ધારાસભ્યોએ ભાગ લીધો

સાંજ સમાચાર

♦ સમિતિના પાંચ તથા બોર્ડ કોર્પોરેશનના 23 અહેવાલ ઉપરાંત 69 અધિસુચના, બે વટહુકમ રજુ થયા

ગાંધીનગર, તા.12
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટુંકા સત્રમાં સાત મહત્વના વિધેયકો પસાર કરવા સાથે અગત્યની કાર્યવાહી થઇ હતી. ત્રણ દિવસમાં ગ્રુપમાં કુલ 18.32 કલાક કામ થયું હતું.

15મી ગુજરાત વિધાનસભાનું નવમું ત્રણ દિવસીય ચોમાસું સત્ર અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. સત્રની સફળ સમાપ્તિ બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યો તેમજ સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રવક્તા મંત્રીએ ત્રણ દિવસીય ચોમાસું સત્ર દરમિયાન ગૃહમાં થયેલી વિવિધ કામગીરી વિગતવાર રજૂ કરતા કહ્યું હતું કે, આ સત્ર દરમિયાન સભાગૃહની કુલ 3 બેઠકો મળી હતી. જેમાં કુલ 18 કલાક અને 32 મિનિટ સુધી લોકહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં, કુલ બાવન (52) ધારાસભ્યઓ દ્વારા જુદી જુદી ચર્ચાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે, માત્ર બે જ દિવસમાં રાજ્યના વિકાસ અને પ્રજાકલ્યાણ લક્ષી કુલ 7 સરકારી વિધેયકો વિધાનસભા ગૃહ પસાર કરવામાં આવ્યા છે, જે લોકહિતના કાર્યોમાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, નિયમ-44 અન્વયે જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સભાગૃહમાં નિવેદન આપવામાં આવ્યું હતું.

આટલું જ નહીં, સત્રના છેલ્લા દિવસે નિયમ-102 હેઠળ "જનજાતીય કલ્યાણ યોજના" પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમ-116 હેઠળ જાહેર અગત્યની બાબત પર મંત્રી દ્વારા નિવેદન પણ આપવામા આવ્યું હતું. સત્ર દરમિયાન સ્વર્ગસ્થ થયેલા 5 મહાનુભાવો પ્રત્યે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગૃહના પ્રશ્નોત્તરી કાળમાં સભાગૃહમાં મૌખિક જવાબો માટે કુલ 1,356 તારાંકિત પ્રશ્નેો રજૂ થયા હતા, જે પૈકી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા હાથ ધરાઈ હતી. ઉપરાંત, કુલ 152 અતારાંકિત પ્રશ્નેો મળ્યા હતા અને નિયમ-87(ક) હેઠળ 88 અતારાંકિત પ્રશ્નો મેજ પર મૂકવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકશાહીની આ પ્રક્રિયા અને ગૃહની કામગીરી નિહાળવા માટે રાજ્યભરમાંથી કુલ 5,246 જેટલા પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી.
આ ત્રણ દિવસીય સત્રમાં જુદી જુદી સમિતિઓના 5 અહેવાલો ગૃહ સમક્ષ રજૂ થયા હતા.

સરકારી કંપનીઓ, બોર્ડ અને કોર્પોરેશનોના 23 અહેવાલો તથા 1 અંદાજપત્ર ગૃહના મેજ પર મૂકવામાં આવ્યું હતું. કુલ 69 અધિસૂચનાઓ, 2 વટહુકમ, 1 બાંહેધરી પત્રક તેમજ "જલ જીવન મિશન” પર CAG નો ઓડિટ અહેવાલ પણ ગૃહના મેજ પર મૂકાયો હતો.

આ ઉપરાંત, રાષ્ટ્રપતિની અનુમતિ મળેલ 1 વિધેયક તથા રાજ્યપાલની અનુમતિ મળેલ 5 વિધેયકો પણ મેજ પર મૂકવામાં આવ્યા.

ટુકડા ધારામાંથી શહેરી ક્ષેત્રોને મુક્તિ : રાજ્યભરમાં જુના કેસો દંડ વિના નિયમબધ્ધ
ટુકડા ધારામાં ક્રાંતિકારી સુધારાનું બીલ પસાર
ગાંધીનગર, તા.12

ગુજરાત વિધાનસભામાં આઝાદી બાદ પ્રથમવાર ટુકડા ધારા 1947માં મોટા-વ્યાપક સુધારા કરતું વિધેયક પસાર કરાયું હતું. જમીન મામલે 75 વર્ષથી પ્રવર્તતી જટિલતાનો અંત આવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ સુધારા વિધેયકમાં 1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ -વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-5(4)નો ઉપયોગ કરી રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં એક સમાન ક્ષેત્રફળ 10 ગુંઠા (1012 ચો.મી) નક્કી કરેલ છે.

આ સુધારાથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને સમગ્ર રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળશે તેમ વિધાનસભા ગૃહમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ વિધેયકથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર નિયમબદ્ધ એટલે કે `રેગ્યુલાઈઝ' કરવામાં આવશે. 

વિધેયક લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને `ફોક' ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો `બોનાફાઇડ' ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ માટે આ સુધારો લવાયો છે.

Print