www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો રંગારંગ પ્રારંભ : પ્રથમ દિવસે જ લોકો ઉમટી પડયા


ઉદ્ઘાટન સમારોહમાં નેવી બેન્ડના શૌર્યનાદ અને લોકડાયરાએ જમાવટ કરી : કાલથી સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની ઉમટશે : રવિવાર સુધી જલ્સો: રેસકોર્ષ ફરતેના માર્ગો વાહનો માટે બંધ

સાંજ સમાચાર

રાજકોટ તા.2
 રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આજથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ‘વિરાસતથી વિકાસ’ 2026 લોકમેળાનો રંગારંગ પ્રારંભ થવા પામેલ છે. પાંચ દિવસનો આ લોકમેળો ખુલ્લો મુકાતાની સાથે આજે પ્રથમ દિવસ લોકો ઉમટી પડયા હતા.

લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં નેવી બેન્ડના શૌયનાદ તેમજ રાસ ગરબા અને લોકડાયરાએ જમાવટ કરી દીધી હતી. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકો ભારે ઉત્સુક બનેલ છે.

લોકમેળાના રમકડાના 100 સ્ટોલ, ખાણીપીણીના 40, યાંત્રીક રાઈડ્સના 34, નાની ચકરડીના 24, ખાણીપીણીના નાના પ્લોટ-8, મધ્યમ ચકરડીના-3 પ્લોટ, તેમજ એક્ષસ્પો એકઝીબીશનના બે ડોમ તૈયાર કરાયા છે. લોકમેળો આજથી જ જમાવટ કરવા લાગતા આવતીકાલથી સૌરાષ્ટ્ર કચ્છમાંથી જનમેદની વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ફરતેના તમામ માર્ગો વાહનો માટે બંધ કરી દેવામાં આવેલ છે.

 લોકમેળાનું આ વખતે એઆઈ અને ડ્રોન મારફત ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા મારફત પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. લોકમેળાને મહાલવા માટે પ્રતિવર્ષ 12થી 15 લાખ જેટલા લોકો ઉમટી પડતા હોય લોકોની સુરક્ષા માટે આ વખતે વિશેષ રૂપથી ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. આ ઉપરાંત લોકમેળામાં સાવચેતીના પગલા રૂપે આ વખતે ખાસ કોરીડોર તૈયાર કરનામાં આવેલ છે.

તેમજ 108 અને બાઈક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી રહી છે. મેળાના ગ્રાઉન્ડમાં પાંચ વોચ ટાવર ઉપરથી પોલીસ જવાનો વિશેષ દેખરેખ રાખશે તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત મેળાના મોનીટરીંગ માટે ખાસ વોકીટોકી પણ જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલ છે. મેળાના કંટ્રોલ રૂમ ઉપર અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. મેળાને માણવા આવતા લોકો માટે 14 જેટલા સ્થળો પર વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

 જેમાં કિશાનપરા ચોક, સાયકલ સેરીંગ વાળી જગ્યા, નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન પાસે, બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી રોડ પર, કલેકટર કચેરી, કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક પાસે, આઈકર વાટીકા પાછળ, એસબીઆઈ બેંક પાસે શારદાબાગ પાસે, સર્કીટ હાઉસ સામે મેમણ બોર્ડીંગ, ધર્મેન્દ્રસિંહ કોલેજ ગ્રાઉન્ડ, હોમગાર્ડ ઓફીસર્સ કોલોની (સરકારી વાહનો માટે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકમેળામાં રાઈડસ અને ખાણીપીણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. લોકમેળા દરમ્યાન સાંજના લોક સાહિત્યનો રસથાળ પીરશસે આ ઉપરાંત આ વખતે ઉભરતા કલાકારોને પણ સ્ટેજ પૂરૂ પાડવા માટે ખાસ આયોજન આ વખતે કલેકટર તંત્ર દ્વારા કરાયું છે. લોકમેળામાં આજે લોકકલાકાર ગોપાલ ભરવાડ, લોક સાહિત્યનો રસથાળ પીરસશે જયારે આવતીકાલે તા.3ના રાજભા ગઢવી, તા.4ના સાંત્વની ત્રિવેદી, તા.5ના ઉદય ધાંધલ, અને તા.6ના સાગર કાચા અને દિવ્યેશ જેઠવા રંગત જમાવશે. 40 જેટલા કલાકારો આ લોકમેળામાં તેમની કલા પીરસશે.

જીલ્લા કલેકટર ઓમપ્રકાશ અને અધિક કલેકટર બારોટે ગઈકાલે લોકમેળાની અધિકારીઓ સાથે મુલાકાત લઈ વ્યવસ્થાની આખરી ચકાસણી કરી હતી. જે બાદ આજે સાંજથી જ લોકમેળો ખુલ્લો મુકાતાની સાથે જ લોકમેળાની રંગત માણવા માટે જનમેદની વિશાળ સંખ્યામાં ઉમટી પડી છે. મેળો ખુલ્લો મુકાતાની સાથે જ જન્માષ્ટમીનો માહોલે રંગ પકડી લીધો છે. લોકમેળાના ઉદઘાટન સમારંભમાં પ્રજાના પ્રતિનિધિઓ તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા.

લોકમેળાના ઉદ્ઘાટનમાં પણ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી ગેરહાજર
રાજકોટ તા.2
 શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજથી પ્રારંભ થયેલ જન્માષ્ટમીના પાંચ દિવસીય ‘વિરાસીતથી વિકાસ’ લોકમેળાનું ઉદ્ઘાટન જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવનાર હતું પરંતુ છેલ્લી ઘડીએ જીતુભાઈ વાઘાણીનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ થતા પ્રભારી મંત્રી વાઘાણી લોકમેળાના ઉદઘાટન સમારંભમાં ગેરહાજર રહ્યા હતા.

અહીં એ ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને આયોજીત કરાયેલ ત્રિરંગા યાત્રામાં પણ પ્રભારી મંત્રી વાઘાણી ગેરહાજર રહેવા પામેલ હતા. દરમ્યાન મેળાના આ ઉદઘાટન સમારંભમાં ધારાસભ્યો, સાંસદો, તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, જીલ્લા કલેકટર, અધિક કલેકટર, તેમજ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ આ રંગારંગ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે આજે ગુજરાત ભાજપના પ્રભારી તરૂણ ચુગ દ્વારા ગાંધીનગર ખાતે રાજય સરકારના કેબીનેટ મંત્રીઓની ખાસ બેઠક આયોજીત કરેલી હોય જેમાં પ્રભારી મંત્રી વાઘાણી ઉપસ્થિત રહ્યા હોય જેના પગલે તેઓ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં હાજર રહી શકેલ ન હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટોલમાં રાજકોટ સહિત ગુજરાતની વિકાસ યાત્રા પ્રદર્શિત કરાશે

કઠપૂતળી કલા, કીર્તિતોરણ, સેલ્ફી પોઈન્ટ અને કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાશે

રાજકોટ તા.2
‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળામાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સ્ટોલ નં. ડી-4 ખાતે ‘વિકસિત ભારત,વિકસિત ગુજરાત’ની થીમ પર આકર્ષક અને માહિતીસભર પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલ થકી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ અને સિદ્ધિઓની યશગાથા મુલાકાતીઓ સુધી પહોંચાડવામાં આવશે.  

પ્રદર્શન સ્ટોલના ખાતે ભવ્ય ’કીર્તિ તોરણ’ની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, જે ગુજરાતના અનંત અનાદિ વારસાની અનુભૂતિ કરાવશે. આ સિવાય પ્રદર્શનમાં આકર્ષક બેકલાઇટ વોલ અને વીડિયો ડિસ્પ્લેના માધ્યમથી સરકારની પ્રગતિગાથા વર્ણવવામાં આવશે. મેળો માણવા આવતા નાગરિકો અને યુવાનો પોતાના ફોનમાં યાદગાર ક્ષણો કંડારી શકે તે માટે વિશેષ ’સેલ્ફી પોઈન્ટ’ પણ તૈયાર કરાયો છે.

આ પ્રદર્શનમાં ’ડિજિટલ ગવર્નન્સ, ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ’ અંતર્ગત 100થી વધુ ઓનલાઈન નાગરિક સેવાઓ, ડીબીટી દ્વારા સીધી સહાય અને ’સ્વાગત’ કાર્યક્રમની ચાર સ્તરીય પારદર્શી ફરિયાદ નિવારણ વ્યવસ્થાની યશગાથા રજૂ કરાશે.

આ ઉપરાંત, વૈશ્વિક રોકાણ અને રોજગારી ક્ષેત્રે ’વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’, ગિફ્ટ સિટી, ભારતનું પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે સ્માર્ટ સિટી ધોલેરા સર અને દેશની પ્રથમ સેમિક્ધડક્ટર પોલિસી જેવી ટેકનોલોજીકલ તથા ઔદ્યોગિક સિદ્ધિઓ સહિતની વિવિધ ક્ષેત્રની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે. વિશેષરૂપે રાજકોટના આંગણે આકાર પામેલા એઈમ્સ, હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવર જેવા પ્રકલ્પો રજૂ કરીને રાજકોટની વિકાસયાત્રા પ્રદર્શિત કરવામાં આવશે.

જે લોકમેળાના મુલાકાતીઓ માટે યાદગાર નઝરાણું બની રહેશે. આ સાથે જ રાજ્ય સરકારના માહિતી ખાતામાં નોંધાયેલા અનુભવી કલાકારો દ્વારા લોકમેળા દરમિયાન દરરોજ કઠપૂતળીના બે વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

મેડીકલ ઇમરજન્સી માટે બે શિફટમાં ડોકટરોની ટીમ તૈનાત
108ની બે એમ્બ્યુલન્સ જરૂરી સાધન સામગ્રી અને તબીબી સ્ટાફ સાથે સ્ટેન્ડબાય

રાજકોટ, તા.2
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આજે તા. 2 થી તા.6 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરાયેલ વિરાસતથી વિકાસ લોકમેળામાં ઈમરજન્સી સમયે નાગરિકોને મેડિકલ સેવા પુરી પાડવા તેમજ ડિઝાસ્ટર સંબંધી આરોગ્યલક્ષી કામગીરીને પહોંચી વળવા આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો બે શિફ્ટમાં ફરજ બજાવશે.

રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ફક્ત રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકપ્રિય લોકમેળો છે. આ લોકમેળાની મજા માણવા લાખો મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મુલાકાતીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સની જુદી-જુદી ટીમો શિફ્ટ પ્રમાણે ફરજ બજાવશે. 

લોકમેળામાં દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રીએ મેળો પૂર્ણ થયા સુધી આરોગ્યની ટીમો શિફ્ટ મુજબ તૈનાત રહેશે. આરોગ્ય ટીમમાં મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય શાખાનાં કર્મચારીઓ ફરજબદ્ધ રહેશે. નાગરિકોને ઈમરજન્સી મેડીકલ સેવા પુરી પાડવા જરૂરી ફર્સ્ટ એઈડ બોક્સ, દવાઓ તથા સહિતની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમરજન્સી મેડિકલ સેવા આપવા 108ની બે એમ્બ્યુલન્સ જરૂરી સાધન સામગ્રી તથા સ્ટાફ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

લોકમેળામાં લોકોની સલામતી માટે કર્મચારીઓને તાલીમબધ્ધ કરાયા

CPR અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇ

રાજકોટ, તા.2
લોકમેળામાં સંભવિત વિકટ સમયે લોકોનો જીવ બચાવી શકાય તે માટે એસ.ડી.આર.એફ. અને રેડક્રોસ દ્વારા અધિકારીઓ-કર્મચારીઓને  CPR અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મેળા દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓને આપાતકાલીન સમયે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે કઈ રીતે કામ કરવું તે અંગે સમજ આપવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ તાલીમમાં હૃદય રોગનો હુમલો, શ્વાસ રુંધાવાની સ્થિતિ, નાની-મોટી ઈજા કે બેભાન થવા જેવી ઘટનાઓમાં તાત્કાલિક રાહત પહોંચાડી શકાય તે માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરાયું હતું. 

 

 

 

 

 

 

 

 

Print